ભારતમાં સૌથી વધુ પ્રસિદ્ધ ફેશન ડિઝાઇનરોમાં એક નામ છે – અનિતા ડોંગરે. અનિતાએ ડિઝાઇન કરેલા વસ્ત્રો કેટ મિડલટન, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દિકરી ઇવાન્કા ટ્રમ્પ, હિલેરી ક્લિન્ટન, બોલીવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી સોનાક્ષી સિંહા જેવી હસ્તીઓ પહેરે છે. પણ શું તમે જાણો છો કે, સફળતાના આ શિખર સુધી પહોંચવા માટેની સફર અનિતા માટે સરળ નહોતી. જીવનનાં એક તબક્કામાં અનિતા પાસે મકાનમાલિકને ભાડું ચુકવવા માટે પણ રૂપિયા નહોતા. પણ પોતાના મક્કમ મનોબળથી અત્યારે અનિતા 800 કરોડ રૂપિયાની કંપનીની માલિક છે.
અનિતાનો જન્મ એક સિંધી રૂઢિચુસ્ત કુટુંબમાં થયો હતો. કુટુંબમાં મહિલાઓને કામ કરવાની આઝાદી નહોતી. પણ એમના પપ્પાની પોસ્ટિંગ મુંબઈમાં થવાથી એમને માયાનગરીમાં અલગ જ વાતાવરણનો અહેસાસ થયો હતો. એમને જીવનમાં કશું કરવાની પ્રેરણા મળી હતી. આ માટે અનિતાને એમની મમ્મીનો સપોર્ટ મળ્યો હતો. એમની મમ્મી પોતાના ત્રણ બાળકો માટે વસ્ત્રો સીવતી હતી. આ કારણે દિકરી અનિતાને ફેશન ડિઝાઇનર બનવામાં રસ જાગ્યો હતો. એમણે 15 વર્ષની વયે ફેશન ડિઝાઇનિંગના ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો નિર્ણય લઈ લીધો હતો.
પછી અનિતાએ ભાડાની જગ્યા લઈને પોતાની બહેન સાથે મળીને કામ શરૂ કર્યું હતું. શરૂઆતમાં એમની પાસે બે સિલાઈ મશીન હતા. એ સમયે ખર્ચાઓ પૂરાં કરવા અનિતા માટે સરળ નહોતા. ઘણી વાર ભાડું વધી જવાથી, તો ક્યારેય ભાડું ચુકવી ન શકવાથી એમને વારંવાર જગ્યા બદલવી પડતી હતી.
અનિતાએ એ સમયે વર્કિંગ વિમેનને ધ્યાનમાં રાખીને વિવિધ ડિઝાઇન બનાવી હતી. જ્યારે તેઓ આ વસ્ત્રો લઈને શોપ પર વેચાણ કરવા જતાં હતાં, ત્યારે મોટા ભાગનાં લોકો એમના ડિઝાઇન કરેલા વસ્ત્રો રિજેક્ટ કરી દેતા હતા. એટલે અનિતાએ પોતાની બ્રાન્ડ બજારમાં ઉતારવાનો નિર્ણય કર્યો. અત્યારે એમની કંપની AND Designs India Ltd. હેઠળ ચાર પેટાકંપનીઓ કામ કરે છે. એમની કંપનીનાં સ્ટોર્સ ભારતની સાથે વિદેશોમાં પણ છે. અત્યારે અનિતાનું નામ ફેશન ઉદ્યોગમાં માન-સન્માન સાથે લેવાય છે. એમના કેટલાંક મિત્રોનું માનવું છે કે, જો અનિતા અમેરિકામાં હોત, તો એમને વધારે સફળતા મળી હોત. જોકે અનિતા ભારતમાં પુષ્કળ તકો હોવાનું માને છે.
પોતાની સફળતા માટે સૌથી મહત્ત્વપૂર્ણ પરિબળ વિશે અનિતાનું કહેવું છે કે, તેમને તેમનું કામ કરવું પસંદ છે. તેઓ તેમના કામને પ્રેમ કરે છે. કહેવાય છે કે, જ્યારે વ્યક્તિ પોતાના કામને પ્રેમ કરે છે, ત્યારે એને થાક લાગતો નથી.
No comments:
Post a Comment
If you have any doubts please let me know!