કપિલ શર્માએ ‘ધ કપિલ શર્મા શો’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. હાલમાં જ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં કપિલે કહ્યું હતું કે લોકોને ખુશ રાખવા તેના માટે સામાજિક જવાબદારી છે. વાત-વાતમાં કપિલ શર્માએ અંગત જીવન અંગે પણ વાત કરી હતી.
બીજીવાર શૂટિંગ શરૂ કરતા પહેલાં થોડો અવઢવમાં હતો
લૉકડાઉન બાદ ફરીવાર કામ શરૂ કરવાની તક મળી તો આનંદ થયો પરંતુ શરૂઆતમાં થોડો અવઢવમાં પણ હતો, કારણ કે ઘરમાં નાની દીકરી અનાયરા છે. એને કારણે મનમાં ડર હતો. જોકે, પત્ની ગિન્નીએ હિંમત આપી હતી. તેણે સમજાવ્યું કે આ બીમારી સાથે જ જીવવાનું છે. ક્યારેક તો કામ પર જવું જ પડશે. મારી સાથે બહુ બધા લોકો જોડાયેલા છે અને તેમની જવાબદારી મારી પર છે.
હવે લાગે છે કે હું ઘણો જ સમજદાર બની ગયો છું
જ્યારે તમારું કામ ધ્યાનમાં હોય ત્યારે તમે અનેક નેગેટિવ વાતો ભૂલી જાવ છો. મારો સમય સ્ક્રિપ્ટ રીડિંગ, રિહર્સલ તથા શૂટિંગમાં પસાર થઈ જાય છે. આ દરમિયાન કોઈ નેગેટિવ વિચાર આવતો નથી. લોકો સાથે વાત કરીને પોઝિટિવ લાગણી થાય છે. લૉકડાઉન દરમિયાન ચારેય બાજુ નેગેટિવ વાતો થતી હતી અને તેને કારણે ઉદાસ થઈ ગયો હતો. જોકે, હવે કામ શરૂ થઈ ગયું છે તો એક અલગ પ્રકારની એનર્જી આવી ગઈ છે. મને અનેક લોકોએ કહ્યું હતું કે ખરાબ સમયમાં અમે તમારો જ શો જોતા હતા. હવે લાગે છે કે હું ઘણો જ સમજદાર થઈ ગયો છું.
મુશ્કેલ સમયમાં લોકોને હસાવવા સરળ નથી
આ ખરાબ સમયમાં હસાવવું સરળ નથી. જોકે, હું માનું છું કે આ સમયમાં આવા શોની ઘણી જ જરૂર છે. હું ઈચ્છું છું કે આવા બીજા શો પણ બને. જે દિવસે મેં સોશિયલ મીડિયામાં શો ફરીવાર શરૂ થશે તે વાત કરી ત્યારે લોકોએ ઘણી જ સારી પ્રતિક્રિયા આપી હતી. જો મનમાં થોડો પણ ડર આવે ત્યારે હું આ મેસેજ વાંચીને મારી જાતને મોટિવેટ કરું છું.
હું પણ બીજા શહેરમાંથી આવ્યો છું, હું પણ પરપ્રાંતીય મજૂર છું
આ સમયમાં દરેક ક્ષેત્રને નુકસાન થયું છે. એન્ટરટેઇનમેન્ટ ઈન્ડસ્ટ્રીને બહુ જ મોટું નુકસાન થયું છે. જોકે, મને આ સમયે ક્યારેય મારા શો તથા મારી કરિયરને લઈ ડર લાગ્યો નહોતો. મેં તો થોડો સમય પરિવાર સાથે પસાર કરવાનું નક્કી કરી લીધું હતું. જોકે, જ્યારે પણ કોરોનાને લગતા સમાચાર વાંચતો કે જોતો ત્યારે બહુ જ ખરાબ લાગતું કે અનેક લોકો પોતાના ઘર જઈ શકતા નથી. અનેકની નોકરી જતી રહી અને અનેકે પોતાના જીવ ગુમાવ્યા.
સાચું કહું તો આ પર-પ્રાંતીય મજૂરો સાથે હું મારી જાતને રિલેટ કરી શકું છું. હું પણ બીજા શહેરનો છું અને કામ કરવા માટે મુંબઈ આવ્યો છું. હું પણ પર-પ્રાંતીય મજૂર છું. એ લોકોને જોઈને ઘણો જ ભાવુક થઈ જાઉં છું. બસ, ફરક એટલો જ છે કે મારી પાસે મુંબઈમાં એક ઘર છે અને મારા પરિવાર સાથે રહું છું. આથી હવે આ શહેર મારું થઈ ગયું છે. જોકે, તે બિચારાઓનું શું જેમનું પોતાનું ઘર નથી અને પરિવાર પણ નથી. આ બધું જોઈને દુઃખ થાય છે.
સોશિયલ મીડિયાનો સારા કામ માટે ઉપયોગ કરું છું
અનેક લોકોને મારી પાસેથી આશા છે. માત્ર હસાવવા માટે જ નહીં પરંતુ સોશિયલ કૉઝ માટે પણ. જો મારી કોઈ પોસ્ટ શૅર કરવાથી જરૂરિયાતમંદ લોકોને મદદ મળતી હોય, તો હું ક્યારેય પીછેહઠ કરતો નથી. મારી પાસે એટલા પૈસા નથી કે દરેક જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરી શકું, પરંતુ અનેકમાંથી થોડા લોકોની તો મદદ કરી જ શકું છું.
હાલમાં જ મારી એક પોસ્ટને કારણે એક જ દિવસમાં 50 હજાર ડૉલર જમા થયા હતા. આ પૈસાથી નાનકડી બાળકીની સારવાર થવાની હતી. સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ પણ થાય છે તો સારાં કામ પણ થાય છે. હું સોશિયલ મીડિયાનો ઉપયોગ સારા કામ માટે કરું છું અને આગળ પણ આમ જ કરતો રહીશ.
ગિન્નીને આ શોમાં આવવાની તક જરૂરથી આપીશ
હાલમાં તો ફિલ્મ રિલીઝ થતી નથી અને એક્ટર્સ સેટ પર આવે તે થોડું મુશ્કેલ છે. જોકે, કામ તો કરવાનું જ છે અને અમે પ્રયાસ કરીશું કે જે પણ સેલેબ્સ ઉપલબ્ધ હોય તેમને શોમાં આવવાનું આમંત્રણ આપીશું. હાલમાં જ સોનુ સૂદ અમારા શોમાં આવ્યા હતા.
અનેક લોકો શોમાં કામ કરતા કલાકારોના પરિવાર અંગે જાણવા માગતા હોય છે અને તેથી જ અમે એક સ્પેશિયલ એપિસોડ લઈને આવવાના છીએ. આ એપિસોડમાં અર્ચના પૂરણ સિંહના પતિ પરમીત સેઠી, કિકુ શારદાની પત્ની પ્રિયંકા શારદા, કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહ જોવા મળશે. આ એપિસોડ શૂટ પણ થઈ ગયો છે. મારા પરિવારમાંથી કોઈ જોવા મળશે નહીં, કારણ કે માતા હાલમાં પંજાબમાં છે અને ગિન્ની દીકરીની દેખરેખમાં વ્યસ્ત છે. જોકે, ગિન્નીને ક્યારેક તો શોમાં આવવાની તક આપીશ.
ઓક્ટોબર મહિનામાં વેબ સીરિઝનું શૂટિંગ શરૂ કરશે
K9 પ્રોડક્શન વેબ સીરિઝ ‘દાદી કી શાદી’નું શૂટિંગ ઓક્ટોબર મહિનાથી શરૂ કરશે. આવતા વર્ષે એક ફિલ્મ વિશે પણ વાતચીત ચાલે છે. હાલમાં તો મારો મોટાભાગનો સમય શો પાછળ જ જાય છે. આથી જ અન્ય પ્રોજેક્ટ પર કામ કરવું થોડું મુશ્કેલ છે. જ્યારે પહેલી ફિલ્મ કરી હતી ત્યારે અઠવાડિયે એક જ વાર શો આવતો હતો અને ફિલ્મનું શૂટિંગ પણ મુંબઈમાં જ હતું અને તેથી તે સરળ હતું. બીજી ફિલ્મ વખતે બહુ જ દોડધામ કરવી પડી હતી. હાલમાં મોટા પ્રોજેક્ટ અંગે વિચારતો નથી.
આ સમય પણ પસાર થઈ જશે
અંગત જીવનમાં પણ ખરાબ સમયમાંથી પસાર થઈ ચૂક્યો છે. મેં એક જ વાત શીખી છે કે એક જેવો સમય ક્યારેય રહેતો નથી. હાલમાં આપણે બધા ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ પરંતુ હું એટલું જ કહીશ કે કોઈએ હિંમત હારવાની જરૂર નથી. બધા સાથે મળીને આ સમયમાંથી પસાર થઈ જશે. ખરાબ સમય બહુ બધું શીખવે છે. આ મારો અંગત અનુભવ છે.
સુનીલ ગ્રોવર સાથે કોઈ મતભેદ નથી
સુનીલ ગ્રોવર સાથે કોઈ મતભેદ નથી. તેની સાથે ક્યારેક-ક્યારેક વાતચીત થાય છે. લૉકડાઉન પહેલાં પંજાબ તથા દિલ્હીમાં એક લગ્નમાં મુલાકાત થઈ હતી. જોકે, હાલના સમયે મળવાનું શક્ય નથી. જોકે, અમે એકબીજાના સંપર્કમાં છીએ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30i7JQn
https://ift.tt/3gmjXwX