લૉકડાઉનને કારણે બોલિવૂડની બિગ ફિલ્મ ‘સૂર્યવંશી’ તથા ‘83’ રિલીઝ કરવામાં આવી નહોતી. જોકે, હજી પણ પરિસ્થિતિ પહેલાં જેવી સામાન્ય થઈ નથી. થિયેટર હજી પણ બંધ જ છે. જોકે, મલ્ટીપ્લેક્સે આ બંને ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. આ જાહેરાત પ્રમાણે, રોહિત શેટ્ટી તથા અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ દિવાળી પર એટલે કે 13 નવેમ્બરના રોજ રિલીઝ થશે જ્યારે કબીર ખાનની ‘83’ ક્રિસમસ પર એટલે કે 25 ડિસેમ્બરે રિલીઝ થશે. આ બંને ફિલ્મને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે પ્રોડ્યૂસ કરી છે.બોલિવૂડ હંગામાએ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે ગ્રુપના CEO શિબાશીષ સરકાર સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, બંને ફિલ્મ દિવાળી તથા ક્રિસમસ પર રિલીઝ થશે. તેઓ બંને ફિલ્મ થિયેટરમાં જ રિલીઝ કરવા ઈચ્છતા હતાં. તેમને આશા છે કે દિવાળી તથા ક્રિસમસ સુધીમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. નોંધનીય છે કે લૉકડાઉન બાદ પહેલી જ વાર હિંદી ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર તથા કેટરીના કૈફની ફિલ્મ ‘સૂર્યવંશી’ 24 માર્ચે રિલીઝ થવાની હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર વીર સૂર્યવંશીના રોલમાં જોવા મળશે. રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ કેટેગરીની આ ચોથી ફિલ્મ છે. આ પહેલાં રોહિતે અજય દેવગન સાથે‘સિંઘમ’તથા ‘સિંઘમ રિટર્ન્સ’ અને રણવીર સિંહ સાથે ‘સિમ્બા’બનાવી હતી. ‘સૂર્યવંશી’માં અજય દેવગન તથા રણવીર સિંહ પણ જોવા મળશે. રોહિત શેટ્ટીએ લૉકડાઉનમાં જ સ્પષ્ટતા કરી હતી કે આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે નહીં અને જ્યારે પણ થિયેટર ફરીવાર ખુલશે ત્યારે જ આ ફિલ્મ રિલીઝ થશે. અક્ષય કુમારની ‘પૃથ્વીરાજ ચૌહાણ’ દિવાળી પર રિલીઝ થવાની હતી. આ ફિલ્મને યશરાજ પ્રોડક્શને પ્રોડ્યૂસ કરી છે. જોકે, આ ફિલ્મનું શૂટિંગ હજી બાકી છે અને તેથી જ હવે આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થશે નહીં.
કબીર ખાનની ‘83’ ભારતે પહેલી જ વાર ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો તેના પર આધારિત છે. ફિલ્મમાં રણવીર સિંહે કપિલ દેવનો રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મ 10 એપ્રિલે રિલીઝ થવાની હતી. જોકે, હવે આ ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થશે. ‘83’માં દીપિકા પાદુકોણ રોમી દેવના રોલમાં છે. દીપિકા પાદુકોણ ફિલ્મની કો-પ્રોડ્યૂસર પણ છે. ઉલ્લેખનીય છે કે ક્રિસમસ પર આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ થવાની હતી પરંતુ લૉકડાઉનને કારણે ફિલ્મનું શૂટિંગ બાકી હોવાથી હવે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે.
નવાઈની વાત એ છે કે મલ્ટીપ્લેક્સે ફિલ્મ રિલીઝની જાહેરાત કરી છે. હજી સુધી ફિલ્મના ડિરેક્ટર્સ તથા કલાકારોએ આ ફિલ્મની રિલીઝ ડેટને લઈ કોઈ વાત કરી નથી. ઉલ્લેખનીય છે કે 29 જૂનના રોજ અક્ષય કુમાર, આલિયા ભટ્ટ, અભિષેક બચ્ચન, અજય દેવગન તથા વરુણ ધવને હોટસ્ટાર પર આયોજિત એક કાર્યક્રમમાં બોલિવૂડની સાત ફિલ્મ ડિજિટલી રિલીઝ થશે, તેની જાહેરાત કરી હતી. અક્ષય કુમારની ‘લક્ષ્મી બોમ્બ’, આલિયા ભટ્ટની ‘સડક 2’, અજય દેવગનની ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’, અભિષેક બચ્ચનની ‘બિગ બુલ’, સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’, વિદ્યુત જામવાલની ‘ખુદા હાફિઝ’ તથા કુનાલ ખેમુની ‘લૂટકેસ’ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. સૌ પહેલાં સુશાંતની ફિલ્મ ‘દિલ બેચારા’ 24 જુલાઈએ સ્ટ્રીમ થશે. ત્યારબાદ બાકીની ફિલ્મ આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3dL3Ree
https://ift.tt/38dKut2