Tuesday, May 5, 2020

‘શ્રીકૃષ્ણા’ ફૅમ પિંકી પરીખે કહ્યું, રૂકમણીના રોલ માટે અંદાજે 70 છોકરીઓએ ઓડિશન આપ્યું હતું

લૉકડાઉનમાં ‘રામાયણ’, ‘મહાભારત’ સિરિયલને મળેલા રેકોર્ડબ્રેક પ્રતિસાદ બાદ દૂરદર્શન પર રામાનંદ સાગરની ‘શ્રીકૃષ્ણા’ સિરિયલ શરૂ થઈ છે. 90ના દાયકામાં ‘રામાયણ’ અને ‘મહાભારત’ સિરિયલ બાદ ‘શ્રીકૃષ્ણ’ ટેલિકાસ્ટ થઈ હતી. ‘શ્રીકૃષ્ણા’ સિરિયલ લોકોને ખૂબ પસંદ આવી હતી, જેના દરેક પાત્રનો અભિનય ચાહકોએ વખાણ્યો હતો. તેમાં પણ રૂકમણીનો રોલ ચાહકોને ખાસ પસંદ આવ્યો હતો. આ રોલ તે સમયની હિટ ગુજરાતી કલાકાર પિંકી પરીખે પ્લે કર્યો હતો. પિંકી પરીખ આ સિરિયલ પહેલાં રામાનંદ સાગરની ‘અલિફ લૈલા’ તથા ‘ઈતિહાસ કી પ્રેમકહાની’ જેવી સિરિયલોમાં કામ કરી ચૂક્યાં હતાં. હાલમાં ‘શ્રીકૃષ્ણ’ સિરિયલ શરૂ થઈ છે ત્યારે Divyabhaskar.comએ પિંકી પરીખ સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમના અનુભવ જાણ્યા હતા...

સવાલઃ ‘શ્રીકૃષ્ણા’ સિરિયલ કેવી રીતે મળી?
પિંકી પરીખઃ હું રામાનંદ સાગરની ‘અલિફ લૈલા’ તથા ‘ઈતિહાસ કી પ્રેમકહાની’ એમ બે સિરિયલ કરતી હતી. આ સમય દરમિયાન મને એ તો ખ્યાલ જ હતો કે ‘શ્રીકૃષ્ણા’ની તૈયારી ચાલે છે. જોકે, મને એવું નહોતું કે હું આ સિરિયલમાં પણ કામ કરીશ. રૂકમણીના રોલ માટે અંદાજે 70 જેટલી છોકરીઓએ ઓડિશન આપ્યાં હતાં. એક દિવસ મને રામાનંદ સાગરના નાના દીકરા મોતી સાગરે રૂકમણીના રોલ માટે ઓડિશન આપવાનું કહ્યું હતું. મારું ઓડિશન રામાનંદ સાગરે લીધું હતું. ઓડિશનમાં મેં રૂકમણીનો ગેટઅપ કર્યો હતો અને લગ્ન પહેલાં રૂકમણીએ એક પત્ર શ્રીકૃષ્ણને લખ્યો હોય છે. આ પત્ર મારે વાંચવાનો હતો.

સવાલઃ કેવી રીતે ખબર પડી કે રોલ માટે તમે સિલેક્ટ થયાં છો?
પિંકી પરીખઃ ઓડિશનના થોડા સમય બાદ મને નિર્માતા ગોવિંદભાઈ પટેલની ગુજરાતી ફિલ્મ ‘દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા’ ઓફર થઈ હતી. હવે, હું કન્ફ્યૂઝ હતી કે મારે ‘શ્રીકૃષ્ણા’માં કામ કરવાનું છે કે નહીં? આથી જ મેં મુંબઈ મોતી સાગરને ફોન કરીને પૂછ્યું હતું કે ‘શ્રીકૃષ્ણા’માં મારું ફાઈનલ નથી ને? હું ગોવિંદભાઈ પટેલની ફિલ્મ કરું છું. તો મને તરત જ મોતી સાગરે કહ્યું હતું કે તું તો રૂકમણીના રોલમાં ફાઈનલ છે અને હવે તું કોઈ કામ લઈશ નહીં.

સવાલઃ તો ગુજરાતી ફિલ્મ અને સિરિયલનું શૂટિંગ કેવી રીતે એડજસ્ટ કર્યું?
પિંકી પરીખઃ મને સિરિયલમાં રૂકમણીનો રોલ મળી ગયો હતો. એટલે મેં તરત જ ગોવિંદભાઈને એમ કહ્યું કે હવે હું તેમની ફિલ્મમાં કામ કરી શકીશ નહીં. મારે સિરિયલને બહુ બધી ડેટ્સ આપવી પડશે. તો ગોવિંદભાઈ પટેલે મને એમ કહ્યું હતું કે તું મોતી સાગરને શૂટિંગ ડેટ્સ એડજસ્ટ કરવાનું કહે. તે સમયે સાગર આર્ટનું બહુ જ મોટું નામ હતું અને તે લોકો ક્યારેક ડેટ એડજસ્ટ કરી આપતા નહોતા. જોકે, હું તેમના બેનરની બે સિરિયલમાં કામ કરતી હતી અને તેથી જ મને ડેટ્સ એડજસ્ટ કરી આપી હતી.

સવાલઃ ફિલ્મનું શૂટિંગ કેવી રીતે કર્યું હતું?
પિંકી પરીખઃ ફિલ્મ સાઈન કરી ત્યારે હું સાગર આર્ટની ‘અલિફ લૈલા’ તથા ‘ઈતિહાસ કી પ્રેમ કહાની’ એમ બે સિરિયલનાં શૂટિંગ કરતી હતી. ફિલ્મ ‘દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા’નું શૂટિંગ હાલોલના લકી સ્ટૂડિયોમાં દિવસે કરતી હતી. રાત્રે ‘અલિફ લૈલા’ અને ‘ઈતિહાસ કી પ્રેમ કહાની’નું શૂટિંગ વડોદરામાં લક્ષ્મી સ્ટૂડિયોમાં કરતી હતી. ફિલ્મનું પેકઅપ થાય એટલે હું તરત જ વડોદરા આવતી હતી. વહેલી સવાર સુધી સિરિયલનું શૂટિંગ ચાલતું. એનું પેકઅપ થાય એટલે હું હાલોલ જતી. બંને સમયે કારમાં જે ઊંઘ થાય એટલી જ ઊંઘ મળતી હતી. આવું મેં સતત સાત દિવસ સુધી કર્યું હતું. ત્યારબાદ મને મોતી સાગરે કહ્યું કે હમણાં તારો રોલ નથી તો તું ગુજરાતી ફિલ્મ પૂરી કરી લે.

સિરિયલના એક સીનમાં પિંકી પરીખ

સવાલઃ ‘શ્રીકૃષ્ણા’નું શૂટિંગ શરૂ થયું ત્યારે રૂકમણીના રોલ માટે કેવી રીતે તૈયારી કરી હતી?
પિંકી પરીખઃ મેં 10 દિવસની અંદર ગોવિંદભાઈની ‘દેશ રે જોયા...’ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. આ સમયે ‘અલિફ લૈલા’ તથા ‘ઈતિહાસ કી પ્રેમ કહાની’ બંને સિરિયલનાં શૂટિંગ પૂરા થઈ ગયાં હતાં. મારી મમ્મી ઘણી જ ધાર્મિક છે. તેમની પાસે મેં બધું સાંભળ્યું હતું. આ ઉપરાંત મેં તે સમયે ભગવદ ગીતા વાંચવાની પણ શરૂઆત કરી હતી.

સિરિયલમાં લાંબા-લાંબા સીન રહેતા અને લાંબા-લાંબા ડાયલોગ રહેતા હતાં. એટલે કેટલાં પાનાં હોય તે તો ભૂલી જ જવાનાં હોય. એમાં પણ હિંદી બહુ જ અઘરું રહેતું હતું. એટલે હું રાત્રે સ્ક્રિપ્ટ મગાવી લેતી હતી. સ્ક્રિપ્ટમાં જે અઘરા શબ્દો હોય અથવા તો જે શબ્દો બોલવા આપણે ટેવાયેલા ના હોઈએ તેનું હોમવર્ક હું રાતના જ કરતી હતી.

સવાલઃ સિરિયલમાં કયો સીન પહેલો શૂટ કર્યો હતો?
પિંકી પરીખઃ સિરિયલમાં મારો પહેલો સીન એ હતો કે રૂકમણી પત્ર વાંચે છે. આ પત્રમાં રૂકમણીનો ચહેરો દેખાય છે. મેં જે સીન ઓડિશનમાં આપ્યો હતો, તે જ સીન સિરિયલમાં મારો ફર્સ્ટ સીન હતો.

સવાલઃ સેટ પર કેવી વ્યવસ્થા હતી?
પિંકી પરીખઃ સેટ પર સારી વ્યવસ્થા હતી. આર્ટિસ્ટને બહુ સાચવતા હતા. મેં આ સિરિયલનું શૂટિંગ પાંચથી છ વર્ષ સુધી કર્યું હતું. અમે લોકો સ્ટૂડિયો પર જ રહેતા હતાં. મારે અઠવાડિયામાં ચારથી પાંચ દિવસ શૂટિંગ કરવુ પડતું. એટલે મોટાભાગે હું સોમથી શુક્ર સિરિયલનું શૂટિંગ કરતી અને બાકીના બે દિવસ અમદાવાદ આવી જતી. 20-25 વર્ષ પહેલાં વેનિટી વેન શબ્દની ખબર જ નહોતી. સ્ટૂડિયો પર એક સાથે ચાર-પાંચ કલાકારો તૈયાર થતા હતાં. એ રીતે અલગ પર્સનલ મેક-અપ રૂમ પણ નહોતાં. જ્યારે આઉટડોર શૂટિંગ હોય ત્યારે કોઈકના ઘરે જઈને તૈયાર થતા હતાં. આ સિરિયલમાં અમે વડોદરાના આસપાસના વિસ્તાર તથા આજવા ગાર્ડનમાં શૂટિંગ કર્યું હતું. ગરમીના દિવસોમાં તે સમયે લક્ષ્મી સ્ટૂડિયોમાં એસી નહોતાં. કૂલર રહેતાં હતાં. ઘણીવાર સેટ પર બે-ચાર કૂલર પણ ઓછાં પડતાં.

ક્યારેક એવું બનતું કે સીન લાંબો હોય તો જમવામાં મોડું થતું હતું. જ્યારે જમવામાં મોડું થતું તો ફ્લોર પર રોટી રોલ (રોટલીમાં શાક મૂકીને રોલ બનાવવામાં આવતા) આપતા હતાં, જેથી કલાકારોને ભૂખ ના લાગે. આ રીતે સીનનું શૂટિંગ પૂર્ણ કરી લેતા. જેથી કલાકારો અને બધાની લિંક ના તૂટે.

સવાલઃ તમારા આઉટફિટ, મુગટ એ બધાનું વજન કેટલું હતું?
પિંકી પરીખઃ રૂકમણીનો મુગટ જ બે કિલોનો હતો. ત્યારબાદ જરી અને હેવી વર્કવાળી સાડી તથા ઘરેણાં એ બધું થઈને પાંચ કિલો જેટલું વજન થતું હતું. આ બધું પહેરીને ગરમીના દિવસોમાં શૂટિંગ કરવું પડતું હતું. ઘણીવાર આટલા વજનદાર મુગટને કારણે માથું સુન્ન થઈ જતું હતું. આ મુગટ જલ્દીથી કાઢી શકાય તેવો પણ નહોતો. જો શૂટિંગમાં ત્રણ-ચાર કલાકનો બ્રેક પડે ત્યારે જ હું મુગટ કાઢી શકતી હતી. આ સિરિયલમાં મેં લક્ષ્મી, યમુનાજી, રૂકમણી તથા દુર્ગા એમ ચાર રોલ પ્લે કર્યાં હતા. આ ચારેય રોલ માટે અલગ-અલગ મુગટ રહેતા હતા. મને તૈયાર થવામાં દોઢથી બે કલાક જેટલો સમય લાગતો હતો.

સવાલઃ શૂટિંગ દરમિયાન કોઈ તકલીફ પડી હોય?
પિંકી પરીખઃ દુર્ગાના રોલમાં મારે નવ વારી સાડી પહેરવી પડતી હતી. આ સાડી પહેર્યાં બાદ તમે બાથરૂમ ના જઈ શકો. એટલે જ્યારે પણ હું નવ વારી સાડી પહેરતી ત્યારે પાણી સાવ ઓછું પીતી હતી. જમતી પણ સાવ ઓછું જ હતી. આખો દિવસ મારે આ પ્રકારના આઉટફિટ પહેરીને રાખવા પડતા હતાં. ઘણીવાર તો મુગટના વજનને કારણે માથું દુખાતું હોય પણ શૂટિંગ તો ચાલુ જ રાખતી હતી.

સવાલઃ સેટ પર ટોટલ કેટલા લોકો રહેતા?
પિંકી પરીખઃ અમે બધા જ સ્ટૂડિયોમાં જ રહેતા હતાં. અમે 100થી વધારે લોકો રહેતા હતાં. આટલા જ માણસોનું રસોડું બનતું. મુંબઈથી આવેલા નોન-ગુજરાતી લોકો માટે માત્ર રવિવારે નાસ્તામાં એગ્સ બનાવવામાં આવતાં.

સવાલઃ ચાહકોનો રિસ્પોન્સ કેવો મળતો હતો?
પિંકી પરીખઃ આ સિરિયલ ચાલતી ત્યારે કર્ફ્યૂ જેવો માહોલ થઈ જતો હતો. અવર-જવર ઘટી જતી હતી. બધાના ઘરના ટીવીમાંથી આ સિરિયલનો અવાજ આવતો હતો. ચાહકો આ સિરિયલને ધ્યાનથી જોતા હતાં. પત્રો બહુ જ આવતા હતા. મળવાની ઈચ્છા પ્રગટ કરતાં હતાં. મને એમ કહેતા તમારા પાવન પગલાં અમારા શહેરમાં પાડો.

પિંકી પરીખે છેલ્લે ગુજરાતી ફિલ્મ ‘મોન્ટુની બિટ્ટુ’માં કામ કર્યું હતું

સવાલઃ એ સમયે મોબાઈલ નહોતા તો પરિવાર સાથે કેવી રીતે વાત કરતા?
પિંકી પરીખઃ સ્ટૂડિયોથી થોડાંક અંતરે એસટીડી બુથ આવેલું હતું. રોજ શૂટિંગ પૂર્ણ કરીને ચાલીને હું ત્યાં બુથ પર ફોન કરવા જતી હતી. રોજ આ રીતે ચાલીને મમ્મી સાથે ફોન પર વાત કરી હતી.

સવાલઃ સિરિયલનું પુનઃ પ્રસારણ થઈ રહ્યું છે તો તમે શું કહેશો?
પિંકી પરીખઃ
હું આ સિરિયલ જોઉં છું. મારું કેરેક્ટર આવતાં હજી વાર લાગશે. લૉકડાઉનમાં લોકોને સારું મનોરંજન પૂરું પાડવા માટે આ બધી સિરિયલો શરૂ કરવામાં આવી છે, જે આનંદની વાત છે. આ સિરિયલ તમારું મન શાંત રાખે છે. જો તમે આ સિરિયલ ધ્યાનથી જુઓ તો સામાન્ય જીવન માટે ઘણું બધું શીખવા મળે છે. લૉકડાઉનમાં આપણે અકળાઈ જઈએ અથવા ત્રાહિમામ થઈ જઈએ ત્યારે આ બધી સિરિયલ જોઈએ તો આપણું મગજ શાંત થઈ જાય છે.

સવાલઃ સિરિયલ દરમિયાન ફી કેટલી મળતી હતી?
પિંકી પરીખઃ આ સિરિયલ દરમિયાન એપિસોડ પ્રમાણે ફી મળતી હતી. જોકે, ફી બહુ જ ઓછી મળતી હતી. આ સિરિયલે પૈસા નહીં પણ પ્રસિદ્ધિ બહુ જ અપાવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
About 70 girls auditioned for the role of Rukmini, said Shri Krishna fame Pinky Parikh.


from Divya Bhaskar https://ift.tt/2zc35IJ
https://ift.tt/2WuDnHd

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...